સુરત જિલ્લાનાં પીપોદરા નેશનલ હાઈવે પર આગળ જતા બોલેરો ચાલકે અચાનક બ્રેક મારતા તેની પાછળ આવતા પુણા ગામ સુરતનાં ૨૪ વર્ષીય યુવકની બાઇક સ્લીપ થઇ ગઇ હતી. યુવક બાઈક સાથે રોડ પર પટકાયો હતો. તે સમયે પાછળથી આવી રહેલી બસનું ટાયર યુવકના માથા પરથી ફરી વળ્યું હતું. બાઈક ચાલક યુવકનું ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળે મોત થયું હતું.
કોસંબા પોલીસે કસુરવાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, હાલ સુરતના પુણા ગામ ખાતે ભૈયાનગર વિશ્વકર્મા સોસાયટીમાં મકાનં નં.૧૪૯માં રહેતા અને મુળ મહિસાગર જિલ્લાનાં નવાગામનાં ૨૪ વર્ષીય બ્રીજેશભાઈ નરેશભાઈ જોષી બાઈક લઈને મિત્ર રિકેશભાઈ રમેશભાઈ દેસાઈને પાછળ બેસાડી પીપોદરા ગામની સીમમાં મુંબઇથી અમદાવાદ નેશનલ હાઈવે નંબર-૪૮ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે હાઇવે પર આગળ ચાલતા એક બોલેરો વાહન ચાલકે અચાનક બ્રેક મારતા બ્રીજેશભાઈએ બાઈકનાં સ્ટિયરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા બ્રીજેશભાઈ અને તેમનો મિત્ર રિકેશભાઈ હાઇવેનાં મુખ્ય રસ્તા પર નીચે પટકાયા હતા.
તે દરમ્યાન પાછળથી પુરપાટ આવી રહેલી ટ્રાવેલ્સ બસનાં ચાલકે બીજેશભાઈનાં માથા ઉપરથી બસનું ટાયર ચઢાવી દીધું હતું. ઘટના બાદ ચાલક બસ લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં બ્રીજેશભાઈને માથાનાં તેમજ શરીરનાં વિવિધ ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા જેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત થયું હતું. જ્યારે તેના મિત્રને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સમગ્ર અકસ્માતની ઘટના અંગે કોસંબા પોલીસને જાણ કરવામાં આવતા હાલ પોલીસે કસુરવાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસે અકસ્માતના ભોગ બનેલા યુવકના પરિવારને જાણ કરતા ગમગીનિ છવાઈ ગઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500