જમ્મુ અને કાશ્મીરનાં પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલામાં સામેલ આતંકવાદી આસિફ શેખના ઘરને વિસ્ફોટકોની મદદથી ઉડાવી દેવામાં આવ્યું છે. હુમલામાં સામેલ આતંકી આસિફ શેખના મોગામામાં ઘરની તપાસ દરમિયાન એક શંકાસ્પદ બોક્સ મળી આવતા ભારતીય સેના અને સુરક્ષા દળોને સતર્ક રહેવું પડ્યું હતું. આ બોક્સમાંથી વાયરો નીકળી રહ્યા હતા. અહેવાલો અનુસાર, સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોને એક શંકાસ્પદ બોક્સ મળ્યું. શરૂઆતની તપાસમાં તે ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) હોવાની શંકા હતી.
ઘટના સ્થળે પહોંચેલી ભારતીય સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સ (RR)ની એન્જિનિયરિંગ ટીમે તે બોમ્બ હોવાની પુષ્ટિ કરી. સુરક્ષાની દ્રષ્ટિએ બોક્સ સ્થળ પર જ નાશ પામ્યું હતું, જેના પરિણામે જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘરનો એક ભાગ ચોક્કસપણે ઉડીને ખાખ થઈ ગયો હતો. જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે પહલગામ હુમલામાં સામેલ સ્થાનિક આતંકી આદિલ શેખનું ત્રાલમાં ઘર પણ તોડી પાડ્યું છે.
આનાથી શંકા વ્યક્ત થઈ રહી છે કે પહેલગામ આતંકવાદી હુમલાનું આયોજન ઘણાં સમયથી કરવામાં આવી રહ્યું હતું. સુરક્ષા દળોને આશંકા છે કે ઘટનાસ્થળે વધુ વિસ્ફોટક સામગ્રી હોઈ શકે છે, તેથી સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે. આસિફ શેખને પહલગામ હુમલાનો મુખ્ય કાવતરાખોર માનવામાં આવે છે, જેમાં 28 નિર્દોષ પ્રવાસીઓના જીવ ગયા હતા. TRF દ્વારા જવાબદારી સ્વીકાર્યા પછી, સુરક્ષા દળોએ પાકિસ્તાન પ્રાયોજિત આતંકીઓના નેટવર્કને જડમૂળથી ઉખેડી નાંખવાની વ્યૂહરચના અપનાવીને આક્રમક કાર્યવાહી શરૂ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500