અમેરિકામાં ભારતીયો પર હુમલાની ઘટનાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ગત 20 માર્ચે અમેરિકાના વર્જિનિયામાં મહેસાણાના વતની પિતા-પુત્રી પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પિતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પુત્રીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પુત્રીનું આજે શનિવારે સારવાર દરમિયાન મોત નીપજતાં સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
મળતી માહિતી મુજબ, અમેરિકાના વર્જિનિયાના એકોમેક કાઉન્ટી શહેરમાં ગત 20 માર્ચે મૂળ મહેસાણાના કનોડા ગામના પિતા-પુત્રી સ્ટોરમાં બેઠા હતા. તે દરમિયાન એક અશ્વેત શખ્સ અચાનક ઘૂસી આવ્યો હતો અને ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારની ઘટનામાં પ્રદિપ પટેલ (મૂળ રહેવાસી.મહેસાણા, કનોડા)નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પુત્રી ઉર્વિ પટેલ (ઉ.વ.24)ને ગંભીર ઇજાઓ પહોંચતાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જેનું બે દિવસની સારવાર બાદ (22 માર્ચે) મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્ટોર પર પહોંચી ગઇ હતી અને હુમલાખોરની ધરપકડ કરી લીધી છે.
હત્યા કરનાર આરોપી ઓળખ જ્યોર્જ ફ્રેઝિયર ડેવોન વ્હાર્ટન તરીકે થઇ છે. આ ઘટનાને પગલે અમેરિકામાં વસતા ભારતીયો અને ગુજરાતી સમાજમાં શોકની સાથે ભયની લાગણી ફેલાઇ છે. જોકે હજુ હત્યાનું કારણ જાણી શકાય નથી. પ્રદિપભાઇ પટેલ મૂળ મહેસાણાના બેચરાજી તાલુકાના કનોડા ગામના વતની છે, જેઓ મહેસાણાના મોઢેરા ચોકડી ખાતે ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતા હતા, પરંતુ 6-7 વર્ષ પહેલા તેઓ પત્ની હંસાબેન અને પુત્રી ઉર્વિ સાથે વિઝિટર વિઝા પર અમેરિકા ગયા હતા, અને ત્યાં એક લિકર શોપમાં નોકરી હતા તેવું જાણવા મળ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500