નવસારીના વિજલપોર શિવાજીચોક પાસે વોકિંગમાં નીકળેલ ૭૦ વર્ષીય વૃદ્ધાને બે ગઠિયાઓએ પોલીસકર્મી હોવાનો ડોળ કરી આગળ એરિયો ખરાબ છે તેમ કહી હાથમાં પહેરેલા અઢી તોલાના સોનાના પાટલા ઉતરાવી લઇ બાઈક ઉપર ફરાર થઈ ગયાની ફરિયાદ વિજલપોર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, લીલાવતીબેન નવીનભાઈ ગોધાણી (ઉ.વ.૭૭, રહે.ગુરુરાજ એપાર્ટમેન્ટ, ગોહરબાગ, બીલીમોરા, મૂળ રહે.ઢાંકગામ, તા.ઉપલેટા, જિ.રાજકોટ) ગત જાન્યુઆરીના રોજ વિજલપોરમાં રહેતા તેમના ભાઈના દીકરા રૂપેશ કાલરિયાને ત્યાં રહેવા માટે આવ્યા હતા. તેઓ છઠ્ઠી જાન્યુઆરીના રોજ સવારના ૧૦ વાગ્યાના અરસામાં ભત્રીજાના ઘરેથી ચાલવા માટે નીકળ્યા હતા અને તેઓ વિજલપોર શિવાજીચોકના હનુમાનજી મંદિર પાસેથી પસાર થતા હતા તે વખતે મોટરસાઈકલ લઈને ઊભેલા બે અજાણ્યા ઇસમોએ બૂમ પાડીને અમો પોલીસ છે અને આગળ એરિયો ખરાબ છે તેમ કહી લીલાવતીબેનના હાથમાં પહેરેલા સોનાના અઢી તોલાના પાટલા ઉતારવાનું કહ્યું હતું. ગભરાઈ ગયેલા લીલાવતીબેને હાથમાંના પાટલા ઉતારી પાકીટમાં મૂકવા જતા હતા તે વખતે બન્ને અજાણ્યા ઇસમોએ તેમના હાથમાંથી સોનાના પાટલા ઝંટવી લઇ મોટરસાઈકલ ઉપર ફરાર થઈ ગયા હતાં. આ ઘટના બાદ ગભરાઈને વતન રાજકોટ ચાલી ગયા બાદ વૃદ્ધા લીલાવતીબેન નવસારી પરત આવતા તેમને વિજલપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500