વાલોડ તાલુકાના બાજીપુરા ગામના ત્રણ રસ્તા પાસે યુવકની કાર પલટી ગઈ હતી અને સળગી ઉઠી હતી, જેને લીધે ગંભીર રીતે દાઝેલા અને ઈજાગ્રસ્ત વાલોડના યુવકનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં કાર સંપૂર્ણ બળી ગઇ હતી.
મળતી માહિતી પ્રમાણે વાલોડ મારુતિધામ સોસાયટીમાં રહેતા અર્ચન ચંદ્રકાંતભાઈ ચોધરી (ઉંમર વર્ષ ૨૦) તા.૧૪મી જાન્યુઆરીએ ગામના જ મિત્ર સાથે જી.જે.૨૬ એબી ૫૮૨૦ નંબરની કારમાં ઉનાઈ મેળામાં ગયા હતા.ઉનાઈથી પરત વાલોડ આવી મિત્રને ઘરે ઉતર્યો હતો અને ફરી વાલોડથી મોડી રાત્રે કારમાં બેસી બાજીપુરા તરફ જઈ રહ્યો હતો. મોડી રાત્રીએ અર્ચનનો કારના સ્ટિયરિંગ પર કાબૂ ન રહેતા પુરઝડપે કાર બાજીપુરા ત્રણ રસ્તા ઉપર સ્ટેટ હાઇવેને લગોલગ કેબિનો નજીક ડાયવર્ઝનના પીપડાને ટક્કર મારી વીજપોલ સાથે ધડાકાભેર અથડાઈ કાર પલટી ગઈ હતી અને સળગી ઉઠી હતી. ઘટના નજીક પોલીસ પોઈન્ટ હોય ફરજ બજાવતા જીઆરડીના જવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા.
કાર સળગી જવાની ઘટનાને પગલે તાબડતોબ અગ્નિશામકને જાણ કરવામાં આવી હતી. જોકે ફાયરબ્રિગેડ આવે તે પહેલા કાર સળગીને ખાક થઈ ગઈ હતી,માથા તથા પગના ભાગે દાઝેલી હાલતમાં ઇજાગ્રસ્ત યુવકને જેમ તેમ બહાર કાઢ્યો હતો અને ૧૦૮ને બોલાવી સારવાર અર્થે મોકલ્યો હોય પરંતુ ઇજાઓ ગંભીર હોવાને લીધે સુરત લઈ જતી વેળા રસ્તામાં યુવકનું મોત નીપજ્યું હતું.આ પોલીસે બનાવ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500