પહેલગામ હુમલાએ સમગ્ર દેશને અને વિદેશોને પણ આંચકો આપી દીધો છે. વિશેષતઃ પાકિસ્તાનની સરહદને સ્પર્શતાં રાજ્યો, સાવચેત થઇ ગયાં છે. તેમાં રાજસ્થાને પાકિસ્તાન સાથેની સરહદની સુરક્ષા મજબૂત કરવા માંડી છે. રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સમગ્ર રાજ્યમાં વિશેષતઃ આંતરરાષ્ટ્રીય સરહદને સ્પર્શીને રહેલા જિલ્લાઓમાં, ઉચ્ચ સ્તરીય સતર્કતા અને કડક નજર રાખવા એસ.આર.પી. પોલીસ અને હોમગાર્ડઝને તથા નાગરિક પ્રશાસનના અધિકારીઓ તથા કર્મચારીઓને સતર્ક રહેવા જણાવી દીધું છે.
પોલીસ અધીક્ષકો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યમાં સલામતી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આટલું જ નહી પરંતુ સરકારી કર્મચારીઓને, પાકિસ્તાનની સરહદ પાસેના જિલ્લાઓમાં રહેતા નાગરિકોને પણ સતર્ક રહેવાનું કહેવા આદેશ આપી દીધો છે. આ સાથે તેઓને તેમ પણ કહેવામાં આવ્યું છે કે તમોને જરા પણ શંકાસ્પદ લાગે તેવી નાનામાં નાની ઘટનાની ઉપેક્ષા ન કરતા તુર્ત જ સીમા પર તૈનાત સલામતી દળોને માહિતી આપી દેજો. વિશેષતઃ રાજ્યભરમાં કાનૂન વ્યવસ્થા જાળવવા માટે ગૃહ વિભાગ દ્વારા આપેલાં સૂચનોને બરોબર અનુસરશો.
ભજનલાલે વિડીયો કોન્ફરન્સમાં એડીશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (એડીજી) રેન્જ પ્રભારી તથા ડી.એસ.પી. સર્વેને એકબીજા સાથે સતત સંપર્કમાં રહેવા પણ જણાવી દીધું છે. સાથે હોટેલો, ધર્મશાળાઓ, સાર્વજનિક સ્થાનો, તથા ભીડવાળા વિસ્તારોમાં સતત નજર રાખવા સલામતી દળોને સૂચના અપાઈ છે. સાથે શંકાશીલ લાગતી કોઈપણ વ્યક્તિ ઉપર કડક નજર રાખવા કહી દીધું છે. સલામતી બંદોબસ્ત એવો સખત રાખો કે જનસામાન્ય હિંમતમાં રહે. મુખ્યમંત્રીએ ખોટી અફવા પર ધ્યાન ન આપવા જનતાને કહ્યું છે. સાથે તેવી અફવા ફેલાવનારા ઉપર સખત પગલાં લેવા કહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500