Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિલ્હી, પંજાબ અને હરિયાણામાં બેથી ત્રણ મે સુધી ધૂળના તોફાન સાથે વરસાદની આગાહી

  • April 29, 2025 

ભારતીય હવામાન વિભાગે દેશભરના અનેક રાજ્યોની હવામાન સ્થિતિનું લેટેસ્ટ અપડેટ જાહેર કર્યું છે. આગાહી મુજબ દેશના કેટલાક રાજ્યોમાં સામાન્યથી ભારે વરસાદ પડવાની સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે, તો કેટલાક રાજ્યોમાં અસહ્ય ગરમીનું પણ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર ભારતમાં હવામાનનો મિજાજ બદલવાનો છે. હાલ એનસીઆર સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશના લોકો ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે, જોકે આગામી એક-બે દિવસમાં તેઓની રાહત મળવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. IMDના જણાવ્યા મુજબ, હીટવેવથી પરેશાન મેદાની વિસ્તારોમાં 30 મે બાદ રાહત મળવાની શરૂ થઈ જશે.


બે મેથી એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થશે, જેના કારણે લગભગ એક સપ્તાહ સુધી ઉત્તર ભારતના તાપમાનમાં વધારો થશે નહીં, જો કે આ દરમિયાન પહાળોમાંથી આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પૂર્વ તરફ જઈ રહી છે, તેથી દિલ્હી, પંજાબ અને હરિયાણાના મોટા ભાગોમાં 29 એપ્રિલ સુધી કોઈ રાહત મળવાના એંધાણ નથી. 30 એપ્રિલથી હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. આઈએમડીનું માનવું છે કે, દક્ષિણી રાજસ્થાન, ગુજરાત, દક્ષિમ-પશ્ચિમ મધ્યપ્રદેશ અને ઉત્તર મહારાષ્ટ્ર સિવાય દેશભરનું હવામાન બદલાવાનું છે. બુધવારથી એટલે કે 30 એપ્રિલથી મોસમની સ્થિતિ બદલવા લાગશે, જેમાં કેટલાક ભાગોમાં વરસાદ અને વાદળીયું વાતાવરણ જોવા મળશે. આ દરમિયાન રાજસ્થાનમાં ભેજવાળી હવાનો અહેસાસ થશે.


હવામાન વિભાગના વિજ્ઞાનીઓનું માનવું છે કે, પશ્ચિમ તરફથી આવનારી ગરમ અને પશ્ચિમ બંગાળની ખાડીથી આવી રહેલી ભેજવાળી હવાના કારણે પૂર્વોત્તર અને પૂર્વ ભાગોમાં કાલ વૈશાખીની સ્થિતિ ઊભી થઈ છે. જેના કારણે બિહાર, ઉત્તરાખંડ તેમજ બંગાળના ગાજવીજ અને કરા સાથે વરસાદ પડી રહ્યો છે. આઈએમડીએ આ ક્ષેત્રો માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. નવો પશ્ચિમ વિક્ષોભ આવવાથી પહાડો પર સામાન્ય વરસાદનો રાઉન્ડ શરૂ થશે. જોકે તે હવામાનને પ્રભાવિત કરશે. દિલ્હી, પંજાબ અને હરિયાણામાં બેથી ત્રણ મે સુધી ધૂળના તોફાન સાથે વરસાદ પડવાનો અંદાજ છે. જમ્મુ-કાશ્મીરથી લઈને ઉત્તર પ્રદેશ તેમજ ઉત્તરાખંડમાં વાવાઝોડું અને વરસાદની સ્થિતિ ઉભી થવાની શક્યતા છે, જે ચાર મે સુધી રહેશે.


ઉત્તર પ્રદેશના ઉત્તર અને પૂર્વ ભાગમાં વરસાદ પડી શકે છે અને બુધવારથી તે અન્ય ભાગો તરફ આગળ વધશે. મધ્યપ્રદેશમાં પણ આવી સ્થિતિ જોવા મળશે. જ્યારે ઓડિશાવાસીઓને હિટવેવમાંથી મુક્તિ મળી શકે છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીના કારણે સૌકોઈ ત્રાહિમામ પોકારી ગયા છે. જોકે હજુ વધુ ગરમી પડવાની આગાહી કરાઈ છે. ગુજરાતના ચાર જિલ્લામાં 48 કલાક હીટવેવની આગાહી છે. આ સાથે આગામી ચાર દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.


હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટરએ કહ્યું કે, આગામી સાત દિવસ રાજ્યનું હવામાન શુષ્ક રહેશે. પાંચ દિવસ હવામાનમાં કોઈ મોટો બદલાવ થવાની શક્યતા નથી પરંતુ તે બાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે. તેમણે ગુજરાતમાં યલો વોર્નિંગની ચેતવણી સાથે 29મી તારીખ સુધી કચ્છ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં હીટવેવની સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ ચોખ્ખું રહેશે. આગામી 24 કલાકમાં અમદાવાદનું તાપમાન 43 ડિગ્રી રહેવાની સંભાવના છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application