દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ હાલમાં જ ગુજરાત રાજ્યમાં વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય હંમેશા વિકાસના પંથે અગ્રેસર રહયું છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં વિકાસના અનેક પ્રોજેક્ટો આગળ વધી રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રીશ્રીએ તારીખ ૧૬/૦૯/૨૦૨૪ના રોજ અમદાવાના મોટેરાથી પ્રસ્થાન કરાવેલ મેટ્રો ટ્રેનની સારથી છેવાડાના તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા (શિવશક્તિ સોસાયટી) ખાતે હાલમાં રહેતી દિકરી કક્ષ્તી નવિનભાઈ ચૌધરી માટે ઐતિહાસિક યાદગાર સંભારણું બની ગઈ. તાપીવાસીઓને જ્યારે ખબર પડી કે મેટ્રો ટ્રેન માં ફરજ બજાવતી આ દિકરી કક્ષ્તી તાપી જિલ્લાના વ્યારાની છે ત્યારે સમગ્ર તાપીમાં ગર્વભેર ખુશીઓની લહેર વ્યાપી ગઈ હતી.
મહિલા સશક્તિકરણની શરૂઆત કરાવનાર લોકલાડિલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી એ જ્યારે મેટ્રો ટ્રેનને ફ્લેગ ઓફ કરાવ્યું ત્યારે એ ટ્રેનને હંકારનાર દિકરી પણ ગુજરાતના ગ્રામીણ આદિવાસી ક્ષેત્રની અને વડાપ્રધાનશ્રી પણ ગુજરાતના, એ સંયોગ આપણા તાપી અને ગુજરાત માટે ઐતિહાસિક બની ગયો હતો. તાપી જિલ્લાના લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી થોડી જાણકારી મળતા જ અભિનંદનનો વરસાદ વરસાવવા લાગ્યા ત્યારે ખરેખર કક્ષ્તીના પરિવારની મુલાકાત માહિતી કચેરી વ્યારા દ્વારા લેવામાં આવી હતી. મૂળ ગામ નાની ભટલાવ તા.બારડોલી,જિ.સુરતના રહેવાસી પિતા, નવિનભાઈ જનાભાઈ ચૌધરી, સરદાર સરોવર નિગમ કેવડિયા જિ.નર્મદા ખાતે GSECLમાં ડેપ્યુટી ઈજનેર તરીકે ફરજ બજાવી હાલ નિવૃત્ત થયા છે.
જ્યારે સુરતના મહુવા તાલુકાના વડિયા ગામના માતા નલિનાબેન પ્રભાતસિંહ ચૌધરી, મિશ્ર શાળા, વ્યારામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તેમના એકમાત્ર સંતાન દિકરી કક્ષ્તીએ તાપી જિલ્લાને ગૌરવ અપાવી તાપીની યશકલગીમાં મોરપિચ્છ ઉમેર્યું છે. કક્ષ્તીના માતા-પિતા એ જણાવ્યું હતું કે, કશ્તી નાનપણથી જ ખૂબ જ જુસ્સો ધરાવે છે. કોઈપણ પરિસ્થિતિનો ઉત્સાહભેર સામનો કરીને જીવનમાં આગળ વધવાના લક્ષ્ય સાથે ઝંપલાવે છે. કક્ષ્તીએ ઉકાઈમાં સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધુ ત્યારબાદ જીવનસાધના હાઈસ્કુલ ઉકાઈ ખાતે માધ્યમિક શિક્ષણ લઈ ઉચ્ચત્તર માધ્યમિક શબરીધામ વ્યારા ખાતે લીધુ હતું. કક્ષ્તીને ઈજનેર બનવાનું સ્વપ્ન હતું એટલે ગવર્મેન્ટ પોલીટેકનિક, રાજકોટ ખાતે ડિપ્લોમાં ઈલેકટ્રીક શાખામાં અભ્યાસ કર્યો.
ત્યારબાદ વધુ અભ્યાસ માટે ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જીનિયરીંગ, વડોદરાની બાબરીયા કોલેજમાંથી ડિસ્ટીંકશન સાથે ડીગ્રી એન્જિનિયર ની પદવી મેળવી. ત્યારબાદ નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતી કક્ષ્તીએ મેટ્રો ટ્રેનમાં ટ્રેન ઓપરેટરની જાહેરાત આવતા તેનું ફોર્મ ભર્યું અને જુદા જુદા ત્રણ તબક્કાઓમાં ખૂબ જ કઠીન પરીક્ષાઓ પાસ કરી અને છેલ્લા બે વર્ષથી મેટ્રો ટ્રેનમાં ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. તેમના પતિ કેયુરકુમાર ચૌધરી એરપોર્ટ ઓથોરિટી, સુરત ખાતે ફરજ બજાવે છે.
કક્ષ્તીએ અમદાવાદથી ગાંધીનગર ફેઝ-૨ મેટ્રો ટ્રેનનું સંચાલન કર્યું અને દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત સહિત મહાનુભાવોએ જ્યારે મેટ્રો ટ્રેનમાં અમદાવાદથી ગાંધીનગર ગીફ્ટ સીટી સુધી મુસાફરી કરી ત્યારે કક્ષ્તી ખુશીઓથી ઝુમી ઉઠી હતી અને ધન્યતાની લાગણી અનુભવી હતી. તાપી જિલ્લાના આ પ્રેરક ગૌરવને જિલ્લા વહીવટી તંત્ર, શિક્ષણ વિભાગ, શિક્ષક સંઘ,વ્યારા નગરજનો, પરિવારજનો સહિત સમગ્ર આદિવાસી સમાજે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationનાંદોદનાં એક ગામની સગીરાનું અપહરણ કરનાર સામે ફરિયાદ નોંધાઈ
April 29, 2025નેત્રંગમાં યુવકને લાકડાનાં સપાટા મારી મોતને ઘાટ ઉતાર્યો
April 29, 2025