આજે હવે પરંપરાગત રીતે પર્યાવરણ સાનુકૂળ અને વર્ષોથી ભારતીય પરંપરા સાથે વણાયેલી વાંસકલા હવે ભારતીય સીમાડા વળોટીને વૈશ્વિક ફલક પર તેનું નિદર્શન કરવા જઇ રહી છે. આપણે વાત કરીયે, ગુજરાતમાં વસવાટ કરતા ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામના આદિમજુથમાં સમાવિષ્ટ કોટવાળીયા સમાજના લોકો વાંસની વિવિધ કલાકૃતિ બનાવવામાં નિપુણતા ધરાવે છે. અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને વોકલ ફોર લોકલનું મંત્ર સાકાર કરી રહ્યા છે. હાથાકુંડી ગામના એવા જ એક કલા કસબીના વાંસ કારીગર શ્રી વજીરભાઇ કોટવાળીયા અને તેમની ધર્મપત્ની પોતાના સમાજની વાંસ કળાને જીવંત રાખવા અને વિકસાવવા માટે પ્રયત્નશીલ છે. અને તેઓ સમાજના લોકોને બહાર રોજગારી માટે જતા પોતાના ભાઈબંધુઓને પ્રેરણા આપી ફરી આ કળા તરફ વાળ્યા છે. તાલીમ આપી વાંસકલામાંથી ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓને તેઓ મેળામાં ઊભા કરેલા સ્ટોલ પર પ્રદર્શિત કરી તથા માર્કેટમાં વેચીને પ્રત્યક્ષ-પરોક્ષ રીતે કોટવાળીયા પરિવારોને રોજગારી પુરી પાડી રહ્યા છે.
કોટવાળીયા સમાજના લોકો વાંસની કલાકૃતિ બનાવવામાં વર્ષોથી નિપુણતા અને કારીગીરી ધરાવે છે. પણ અન્ય ચિજવસ્તુઓ માટેની તાલીમ થકી તેઓની કળામાં વધુ નિપુણતા મેળવી છે. વાંસમાંથી બ્રશ, પેમ, ડાયરી, પાણીની બોટલ, ચાવી કિચન, ફોટોફ્રેમ, કી-બોર્ડ, વાંસની ટ્રે, બોલપેન-પેન્સિલ, ટોકરી, લેમ્પ, સાદડી, ફૂલદાની, લેઝર સહિતની ઘર વખરી સામાન વાંસમાંથી બનાવીને વેચી રહ્યા છે. શ્રી વજીરભાઈ કોટવાળીયાએ મર્યાદિત સંસાધનો સાથે પોતાના સમુદાયના ૫૦ સભ્યોને વાંસકલાના વ્યવસાયમાં જોડ્યા છે. સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી વિવિધ મેળા અને પ્રદર્શનમાં સહભાગી થઈને હાથ બનાવટની વાંસકલાની વસ્તુઓ સ્ટોલ મારફતે વેચીને આત્મનિર્ભર બની રહ્યા છે. અગાઉ તેમને બજારનો સંપર્ક અને અનુભવ નહોતો, જેના પગલે અનેક પરિવારોએ આવકના અભાવે વાંસકળાનું કામ છોડી દીધું હતું પરંતુ શ્રી વજીરભાઈએ કલાને વૈશ્વિક સ્તર સુધી પહોંચાડવાનો નિર્ધાર કરતા આ કામ સરકારી એજન્સીઓ તેમજ સામાજિક સંસ્થા સાથે સંકલન કરીને વાંસ ઉત્પાદન સાથે સતત જોડાયેલા રહ્યા છે.
તેને સુંદર આવકાર મળી રહ્યો છે. અમદાવાદના વસ્ત્રાપુર ખાતે યોજાયા ટ્રાયબલ હાટ બજારમાં “જય દેવ મોગરા મા ગ્રુપ હાથાકુંડી" તથા “કોટવાળીયા આદિમ જૂથ બામ્બુ વર્ક જૂથ”ને તેમના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણની તક મળી હતી. ત્યાંથી પણ તેમને સારી આવક સાથે પ્રોત્સાહન મળ્યું હતું. આ હાટબજારે કોટવાળીયા સમાજની વાંસકલાની સફળતાનો માર્ગ મોકળો કર્યો છે. તેમને સરકારશ્રીની વિવિધ યોજનાનો પણ લાભ મળ્યો છે. તેના માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને ટ્રાયબલ સબ-પ્લાન જેવી કચેરીઓ દ્વારા જરૂરી સંકલન અને સહકાર પણ આપવામાં આવી રહ્યો છે. એકતાનગર ખાતે યોજાયેલી જી૨૦ બિઝનેસ સમિટમાં ઊભા કરાયેલા સ્ટોલમાં શ્રી વજીરભાઈ કોટવાળીયાએ પોતાની વાંસની કલાકૃતિ, જાહોજલાલી હોટલના પ્રાંગણમાં પ્રસ્તુત કરી વિદેશી મહેમાનો સમક્ષ ગુજરાતની વાંસ કલાનો પરિચય કરાવો હતો. શ્રી વજીરભાઈ કહે છે, કોટવાળિયા સમાજના પ્રતિનિધિ તરીકે છેલ્લા ૨૫ વર્ષથી વાંસ કામ કરું છુ એટલે કોટવાળિયા સમાજના પ્રતિનિધિ તરીકે રાષ્ટ્રપતિ ભવનમાં જવા માટે મારી પસંદગી કરવામાં આવી હતી.
મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે મુલાકાત થતા તે મારા જીવનની અદભુત અને યાદગાર ક્ષણો હતી. અને મને આ કામ વધુ વેગથી કરવાનું પ્રોત્સાહન મળ્યું છે. મહામહિમ રાષ્ટ્રપતિએ અમારા જેવા નાના માણસની કદર કરી તે બદલ પણ હું તેઓનો આભાર વ્યક્ત કરું છું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ દિલ્હીમાં મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે મેગા" રાષ્ટ્રીય આદિજાતિ મહોત્સવ'નું ઉદ્ઘાટન વેળાએ અમારા સ્ટોલની જ્યારે મુલાકાત લીધી હતી. કૃતિ નિહાળી પ્રશંસા કરતાં પુછ્યું "ગુજરાતના કયા જિલ્લામાંથી આવો છો"?, અમારા કૌશલ્યને બિરદાવી હતી અને તે વેળાએ, ૨૦ વર્ષ પહેલાં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને વાંસદા ખાતે આવીને આદિમ જૂથો માટે રૂપિયા ૬૦ લાખ જેટલી માતબર રકમની સહાય આપી હતી તે વાતને વાગોળીને વડાપ્રધાનશ્રી સાથે વાર્તાલાપ કરવાની તક સાંપડી હતી. શ્રી વજીરભાઇ કોટવાળીયાએ વધુમાં જણાવ્યું કે, અમારા સમાજના લોકોને રોજગારી અર્થે જીવના જોખમે મુસાફરી કરીને મોટા શહેરોમાં જવું પડતું હતું. તો પણ ઘર ચલાવું મુશ્કેલ બને છે.
પરંતુ હાથાકુંડી ગામમાં જ વાંસની જીવનજરૂરીયાત વાળી ચીજવસ્તુ બનાવાની કામગીરીથી સમગ્ર ગ્રામજનોને રોજગાર મળી રહી છે. અંદાજે ૭૦-૮૦ કુટુંબના ૭૦૦થી વધુ મહિલા-પુરૂષો વાંસકલાથી ઘર આંગણે જ રોજગારી મેળવી રહ્યા છે. સાથેસાથે ખેતીનું કામ પણ કરે છે અને પોતાના કૌશલ્ય થકી સોફાસેટ, ખુરશી, ટેબલ જેવા બાંબુ વાંસના સાધનો બનાવે છે. આવનાર સમયમાં આ ક્ષેત્રમાં કામગીરીથી કોટવાળીયા સમાજ આત્મનિર્ભર બની સ્થાનિકોને રોજગારી આપનાર મુખ્ય સ્ત્રોત બની શકે તેમ છે. વાંકકલાને વૈશ્વિક સ્તર સુધી લઈ જવા માટે મારા પત્ની સુરતાબેન કોટવાળીયા પણ સહયોગ આપી રહ્યા છે. હવે અમારી ચીજ વસ્તુ માટે વિદેશમાંથી પણ ઓર્ડર આવી રહ્યા છે. આગામી સમયમાં પોલેન્ડ ખાતે યોજાનારા મેળામાં પણ અમને નિમંત્રણ મળ્યું છે ત્યાં અમે પ્રદર્શનીમાં હાજરી આપવા માટે ઉત્સાહિત છીએ. આમ, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકનના સૂત્રને ચરીતાર્થ કરતા તેમજ ODOP(વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ)ના સંકલ્પને પણ આગળ ધપાવવા માટે એક સુંદર પ્લેટફોર્મ પુરૂં પાડી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationનાંદોદનાં એક ગામની સગીરાનું અપહરણ કરનાર સામે ફરિયાદ નોંધાઈ
April 29, 2025નેત્રંગમાં યુવકને લાકડાનાં સપાટા મારી મોતને ઘાટ ઉતાર્યો
April 29, 2025