ઘરેથી મોટી રોકડ રકમ મળ્યા બાદ દિલ્હી હાઈકોર્ટથી અલ્લાહાબાદ હાઈકોર્ટ ટ્રાન્સફર કરાયેલા જજ યશવંત વર્મા સામે હાલ ત્રણ ન્યાયાધીશોની સમિતિ દ્વારા તપાસ ચાલી રહી છે. એવામાં જજ વર્માની બેન્ચ દ્વારા જે 50થી વધુ મામલાની સુનાવણી ચાલી રહી હતી તેને ફરીથી સાંભળવામાં આવશે. જજ યશવંત વર્માના ઘરે હોળીના તહેવાર સમયે આગ લાગી હતી, જેને ઠારવા ગયેલા ફાયર બ્રિગેડની ટીમને એક રૂમમાં બળેલી હાલતમાં મોટી રોકડ રકમ મળી આવી હતી. જેનો વીડિયો ઉતારીને દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યો હતો.
દિલ્હી પોલીસે આ વીડિયોને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપ્યો હતો, જે અંતે સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરાયો હતો. આ ઘટનાક્રમ વચ્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા સમગ્ર મામલે ત્રણ ન્યાયાધીશોની સમિતી રચી છે જે તપાસ કરી રહી છે. આ સ્થિતિ વચ્ચે દિલ્હી હાઇકોર્ટે 21મી એપ્રીલના રોજ દૈનિક કાર્ય યાદી જાહેર કરી હતી, જેમાં સાથે જણાવાયું છે કે આ યાદીમાં સામેલ તમામ એવા મામલા કે જે ન્યાયાધીશ યશવંત વર્મા, ન્યાયાધીશ હરીશ વૈદ્યનાથન શંકરની બેન્ચ દ્વારા સુનાવણી માટે સામેલ કરાયા હતા તેની આગામી તારીખ આપી દેવાઈ છે. જે મામલા પર કોઈ આદેશ જારી નથી થયો તેની ફરી સુનાવણી કરવામાં આવશે. આ નોટમાં 52 મામલાની યાદી જાહેર કરાઇ છે, જેમાં સિવિલ રિટ પિટિશન પણ સામેલ છે. આ મામલા વર્ષ 2013થી 2015 દરમિયાનના છે. જેમાં પ્રોપર્ટી ટેક્સ સંબંધિત એનડીએમસી કાયદાની બંધારણીય માન્યતાને પડકારતા 22 મામલા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500