ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સએ મિઝોરમના ઐઝવાલના બાહ્ય વિસ્તારમાંથી ૫૨.૬૭ કીલો મેથામ્ફેટામાઇન ટેબલેટ જપ્ત કરી છ તેમ નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. આ ટેબલેટનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં ૫૨.૬૭ કરોડ રૃપિયા આંકવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ નાર્કોટિક મ્યાનમારમાંથી ઝોખાવથાર સેક્ટરમાંથી મિઝોરમમાં દાણચોરી કરવામાં આવ્યું હતું. મોડી રાત્રે કરવામાં આવેલા ઓપરેશનમાં ડીઆરઆઇના અધિકારીઓએ ઐઝવાલના બાહ્ય વિસ્તારમાંથી ૧૨ વ્હીલની એક ટ્રકને રોકી હતી અને તેમાંથી ૫૨.૬૭ કીલો મેથામ્ફેટામાઇન ટેબલેટ જપ્ત કરી હતી તેમ મંત્રાલયે જણાવ્યું છે.
સાવચેતીપૂર્વક પેક કરવામાં આવેલા ઇંટની સાઇઝના ૫૨ પેકેટા ટ્રકના નિયંત્રણ બોર્ડ પાસે મૂકવામાં આવેલા તાડપત્રીના કવરમાં છુપાવેલા હતાં. આ પેકેટ્સ પર ૩૦૩૦ એક્સપોર્ટ્સ ઓનલી અને ૯૯૯ લખેલું હતું અને તેના પર ડાયમંડનું સિમ્બોલ હતું. આ પેકેટમાં ઓરેન્જ-પિંક ટેબલેટ હતી. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે આ એનડીપીએસ ફિલ્ડ ટેસ્ટ કીટ દ્વારા ટેસ્ટ કરવામાં આવ્યું તો આ ટેબલેટમાં મેથામ્ફેટામાઇન હોવાનું સામે આવ્યું છે. જે ટ્રકમાંથી આ ટેબલેટ જપ્ત કરવામાં આવી છે તે ટ્રક નાગાલેન્ડમાંથી જપ્ત કરવામાં આવી છે.
આ ટ્રક ભારત-મ્યાનમાર સરહદે આવેલા સંવેદનશીલ શહેર ઝોખાવથારથી થઇને ત્રિપુરા થઇને આગળ વધી હતી. ડીઆરઆઇએ આ ટ્રકને મિઝોરમ છોડતા પહેલા જ પકડી હતી. જે સમયે ટ્રકને રોકવામાં આવી તે સમયે તેમાં અન્ય કોઇ માલસામગ્રી ન હતી. આ અગાઉ આ ટ્રકે મેઘાલયથી ચમ્ફાઇમાં સિમેન્ટ ટ્રાન્સપોર્ટ કરી હતી. ટ્રકના ડ્રાઇવર અને આસિસ્ટન્ટની નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ, ૧૯૮૫ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ કેલેન્ડર વર્ષમાં ડીઆરઆઇએ ઉત્તર પૂર્વ વિસ્તારમાંથી ૧૪૮.૫૦ કીલો મેથામ્ફેટામાઇન ટેબલેટ જપ્ત કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500