સુરત જિલ્લાનાં કામરેજનાં ઓરણા ખાતે આવેલી ત્રણેક વીંઘા જમીન પચાવી પાડવા ખોટી સહી અને લખાણો કરવાની ઘટનમાં સગા ભાઈ બહેન અને સુરતનાં એડવોકેટ વિરુદ્ધ કામરેજ પોલીસ મથકે સુરત ખાતે રહેતી બહેને ફરિયાદ કરી હતી. આ કિસ્સામાં સુરત જહાંગીરપુરા ખાતે રહેતી બહેન અને તેના ઓરણા રહેતા પિયરીયા વચ્ચે ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ, સુરત જહાંગીરપુરા જલારામ નગર સોસાયટીમાં રહેતા જયપ્રભાબેન દયારામ પ્રજાપતિનાં પતિ કમલેશભાઈ છેલ્લા ૨૦ વર્ષથી એસએમસીમાં મેઈ નટેન્સ આસી. તરીકે ફરજ બજાવે છે. જયાબેનનું પિયર કામરેજના ઓરણા ગામે છે.
જ્યાં બ્લોક નં.૬૪૨ વાળી આશરે ત્રણેક વિંઘા જમીન આવેલી છે. તેમાં જશુબેન દયારામ પ્રજાપતિ (રહે.ઓરણા ગામ), યોગીનીબેન દયારામ પ્રજાપતિ (રહે.સચિન, સુરત), હિતેશકુમાર દયારામ પ્રજાપતિ (રહે.ઓરણા), ભાવનાબેન દયારામ પ્રજાપતિ (રહે.સચિન, સુરત), મગનભાઈ સીતારામભાઈ પ્રજાપતિ (રહે.ઓરણા), ઠાકોરભાઈ સીતારામભાઈ પ્રજાપતિ, નટવરભાઈ સીતારામભાઈ પ્રજાપતિ (રહે.અડાજણ, સુરત), સુમિત્રાબેન સીતારામભાઈ પ્રજાપતિ (રહે.બોધાન ગામ, તા.માંડવી), અને જયપ્રભાબેન દયારામ પ્રજાપતિ (રહે.જહાંગિરપુરા સુરત)ના નામ માલિકી હકક તરીકે નોંધાયેલા છે. જોકે લગ્ન બાદ સુરત રહેતા જયપ્રભાબેનને પીયર પક્ષ સાથે વિવાદ હોય, કોઈ વ્યવહાર નથી. દરમિયાન ઓરણા ખાતે આવેલી અને વડીલો ઉપાર્જીત જમીનમાંથી તેનું નામ નીકળી ગયાનું જાણવા મળતા તેમણે તપાસ કરી હતી.
જે દરમિયાન ગત તારીખ ૧૬-૧૦-૨૩ નાંરોજ જમીન રેકોર્ડમાં ફેરફાર નોંધ થઈ ગયાનું બહાર આવ્યું હતુ. આ સાથે જ તારીખ ૧-૦૯-૨૩ નાંરોજ નોટરીની રુબરુમાં થયેલા વહેંચણી કરારની નકલને અધારે તેનું નામ રેકોર્ડમાંથી રદ થયાની જાણકારી મળી હતી. આમ, આરોપીઓએ એકબીજાનાં મેળાપીપણામાં બોગસ કરાર બનાવી તેમાં જયપ્રભાબેનની ખોટી સહી કરી અંગુઠો માર્યાનું પણ બહાર આવ્યું હતુ. આમ સગા ભાઈ બહેને જ આ કાવતરું એક વકીલ સાથે મળીને કર્યું હોવાનું બહાર આવતાં તેમણે કામરેજ પોલીસ મથકે ફરિયાદ કરી હતી. ઘટના અંગે કામરેજ પોલીસે જશુબેન દયારામ પ્રજાપતિ, યોગીનીબેન દયારામ પ્રજાપતિ (રહે.સચિન સુરત), હિતેશકુમાર પ્રજાપતિ, ભાવનાબેન દયારામ પ્રજાપતિ, મગનભાઈ પ્રજાપતિ, ઠાકોરભાઈ પ્રજાપતિ અને નટવરભાઈ પ્રજાપતિ, સુમિત્રાબેન સીતારામભાઈ પ્રજાપતિ તથા એડવોકેટ એ.એસ.સોની (રહે.લીંબુશેરી મહીધરપુરા, સુરત) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500