જમ્મુ-કાશ્મીરનાં પહલગામમાં 22 એપ્રિલે થયેલ આતંકવાદી હુમલા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે પાકિસ્તાન સાથે જોડાયેલા તમામ વિઝા રદ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સંદર્ભે ગૃહમંત્રીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. તમામ રાજ્યોને તાત્કાલિક ધોરણે પોતાને ત્યાં રહેતાં પાકિસ્તાનીઓને તેમના વતન મોકલવા આદેશ આપવા કહ્યું છે. આંતકવાદીઓ દ્વારા પહલગામમાં નિર્દોષ લોકોની હત્યા બદલ ભારત આતંકવાદને સમર્થન અને શરણ આપતાં પાકિસ્તાન વિરુદ્ધ સતત એક્શન લઈ રહ્યું છે. સિંધુ જળ સંધિ સ્થગિત કરવા ઉપરાંત પાકિસ્તાનીઓને 27 એપ્રિલ સુધી ભારત ખાલી કરવા આદેશ આપ્યો છે.
તમામ રાજ્યોની સરકારને પાકિસ્તાનીઓની ઓળખ કરી તેમના વિઝા રદ કરવા અને પાછા મોકલવા આદેશ આપવામાં આવ્યો છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ યોજાયેલી બેઠકમાં પાકિસ્તાન વિરુદ્ધ પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં 65 વર્ષ જૂનો સિંધુ જળ કરાર સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કરાર હેઠળ પાકિસ્તાનના 24 કરોડથી વધુ વસ્તીને પાણી મળે છે. વધુમાં પાકિસ્તાનના હાઇકમિશનની સંખ્યા ઘટાડવા તેમજ ભારતમાં રહેતાં પાકિસ્તાનીઓને તુરંત વતન પરત ફરવા આદેશ આપવામાં આવ્યો છે.
અટારી-વાઘા બોર્ડર પણ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવી છે. પાકિસ્તાની નાગરિકોને આ માર્ગે પરત ફરવા માટે એક મે સુધીનો સમય આપવામાં આવ્યો છે. ભારતમાં પાકિસ્તાની હાઇકમિશનમાં તૈનાત કર્મચારીઓની સંખ્યા 55થી ઘટાડી 30 કરવામાં આવી છે. આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના જૂથ ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ દ્વારા મંગળવારે 22 એપ્રિલે કાશ્મીરના પહલગામમાં હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં નિર્દોષ લોકો માર્યા હતા અને 17 લોકો ઘાયલ થયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500