ખેડા જિલ્લાનાં નડિયાદમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી પરિવારે સોનું અને રોકડ ઘરમાં રાખ્યું હતું. તસ્કરો ઘરમાં ઘુસી 60 તોલા સોનું અને 70 લાખથી વધુની રોકડ ચોરી ફરાર થઈ ગયા હતાં. હાલ આ મામલે નડિયાદ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, નડિયાદનાં કપવંજ રોડ પર એસ.આર.પી કેમ્પસ સામે આવેલી પ્રભુકૃપા સોસાયટીમાં ચોરીની ઘટના સામે આવી છે.
મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ તસ્કરો ઘરના મુખ્ય દરવાજાનો નકૂચો તાળા સાથે તોડી ઘરમાં પ્રવેશ્યા હતાં. ઘરમાં તિજોરી, કબાટ ફેંદી તમામ કિંમતી ચીજવસ્તુઓ લઈને ભાગી ગયા હતાં. પરિવારે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું કે, તસ્કરોએ 60 તોલા સોનું, 500 ગ્રામ ચાંદી અને 70 લાખથી વધુની રોકડની ચોરી કરી હતી. પરિવારે આ વિશે જણાવ્યું કે, થોડા સમયમાં કુટુંબમાં લગ્ન હતાં અને અમારો દીકરો વિદેશ જવાનો હતો. તેથી ઘરમાં લાખો રૂપિયા અને રોકડ પડી હતી. પરંતુ, તસ્કરો તમામ વસ્તુઓ લઈને ભાગી ગયા છે. સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસે ગુનો દાખલ કરી તસ્કરોની શોધવા વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500