Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Update : ચંડોળા તળાવની જગ્યામાં ત્રીજા દિવસે પણ ડિમોલિશનની કાર્યવાહી યથાવત

  • May 01, 2025 

અમદાવાદના ચંડોળા તળાવની જગ્યામાં થતા ગેરકાયદે બાંધકામને મંગળવારે 1 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કર્યા પછી બીજા દિવસે માત્ર 50 હજાર ચોરસ મીટર જગ્યા ખાલી કરતા બે દિવસમાં માત્ર 1.5 લાખ ચોરસ મીટર સરકારી જમીન જ ખુલ્લી કરાવી હતી. ત્યારબાદ ત્રીજા દિવસે પણ ડિમોલિશનની કાર્યવાહી યથાવત છે.  કાચા-પાકા ઝૂંપડા તોડી પાડવાનું શરૂ કરી દેવામાં આવતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. સ્થાનિકો માલસામાન હટાવી લેવા દોડધામ કરી રહ્યા છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, અસામાજિક તત્ત્વ ગની પથ્થરવાલાના ઘર અને દુકાનો સહિતની જગ્યામાં ડિમોલિશની કામગીરી ચાલી રહી છે. ગની પથ્થરવાલા ગેરકાયદે રીતે લેબર કોલોની ઉભી કરી હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.


કોર્પોરેશનનાં અધિકારીઓ અને પોલીસ સ્ટાફની હાજરીમાં ગેરકાયદે બાંધકામો પર જેસીબી ફેરવામાં આવી રહ્યું છે. બે દિવસથી મ્યુનિસિપલ કોર્પોરેશન 50 ટીમ, જે.સી.બી.,ડમ્પર,ટ્રક અને મેનપાવર સાથે તળાવની જગ્યામાં થયેલા ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી  ચાલી રહી છે. ચંડોળા તળાવ વિસ્તારમાં  બાંગ્લાદેશી નાગરિકો દ્વારા બનાવવામાં આવેલા બે હજાર ઝૂંપડા ઉપરાંત લાલા બિહારીના ફાર્મ હાઉસ ખાતે 150 ગેરકાયદે દબાણ સહિત 2150 ગેરકાયદે દબાણ દુર કર્યા હતા. તળાવની એક લાખ ચોરસ મીટર જગ્યામાં ઉભા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ દુર કર્યા હતા.દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે કહ્યું,જે મકાન આઈડેન્ટિફાય કરાયા હતા તે તોડવામાં આવ્યા છે. તળાવની જગ્યામાં બંધાયેલા ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરીનો આજે ત્રીજો દિવસ છે.


ગુજરાત પોલીસનું જ કહેવુ છે કે, ચંડોળા તળાવમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સ્લિપર સેલની સક્રિય ભૂમિકામાં હતાં. અલ કાયદા સાથે તેમના તાર જોડાયેલાં છે. આ જ બાંગ્લાદેશીઓ ડ્રગ્સના વેપાર સાથે પણ સંકળાયેલાં છે. આ જ વિસ્તારમાં યુવતીઓના શારીરીક શોષણ સહિત અનૈતિક પ્રવૃતિઓ કરવામાં આવતી હતી. બનાવટી દસ્તાવેજો અને મની લોન્ડરીંગની પ્રવૃતિ થતી હતી. આ બધી જ અસામાજીક પ્રવૃતિઓ આ વિસ્તારમાં થતી હતી તો પોલીસે શું ઘ્યાન રાખ્યુ તે પ્રશ્ન સ્થાનિકોને મૂંઝવી રહ્યો છે. ચંડોળા વિસ્તારમાં થતી અનૈતિક અને અસામાજીક પ્રવૃતિઓને રોકતાં પોલીસને કોણે રોકી હતી. ગુજરાતમાં કોઇ ચમરબંધીને નહી છોડાય તેવા હાકોટો પડકારાં કરવામાં આવી રહ્યાં છે ત્યારે વર્ષોથી વસતાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને જબ્બે કરવામાં પોલીસે કયુ મુહુર્ત જોવાનું હતું. ગુજરાત રાજ્યનું ઇન્ટેલિજન્સ શું કરતું હતું. આવી પ્રવૃતિ થતી હોવા છતાંય ગુજરાત પોલીસને આટલાં વર્ષો પછી ખબર પડી કે, ચંડોળા તળાવમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો છુપાઇને બેઠાં છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application