તાપીમિત્ર ન્યુઝ,સુરત:સાડા ત્રણ વર્ષની બાળકીના દુષ્કર્મના કેસમાં ફાંસીની સજાના આરોપી અનિલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જેને લઈને આજે સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા પર રોક લગાવી દીધી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સેશન્સ કોર્ટમાં ફાંસીની સજા અપાયા બાદ હાઈકોર્ટે પણ સજા યોગ્ય ઠેરવી હતી. ત્યારબાદ સેશન્સ કોર્ટ દ્વારા ૨૯ ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવાનું ડેથ વોરન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, સુપ્રીમ કોર્ટમાં આરોપી અનિલ યાદવે અપીલ કરતા હાલ સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા પર રોક લગાવી દીધી છે.સુપ્રીમ કોર્ટના જણાવ્યા પ્રમાણે, આરોપી અનિલ પાસે રાષ્ટ્રપતિને દયા અરજી કરવાનો વિકલ્પ છે. જે વિકલ્પ બાદ ફરી સુપ્રીમમાં અરજી કરવાની રહેશે. દયા અરજી ફગાવવામાં આવશે ત્યારબાદ જ સમગ્ર પ્રક્રિયા પુરી કર્યા બાદ ડેથ વોરન્ટ જાહેર કરી શકાશે. સેશન્સ કોર્ટે ૩૧ જુલાઈ ૨૦૧૯ના રોજ અનિલ યાદવને ફાંસીની સજા જાહેર કરાઈ હતી. જેને હાઈકોર્ટે પણ માન્ય રાખી હતી. ત્યારબાદ સેશન્સ કોર્ટ દ્વારા ૨૯ ફેબ્રુઆરીના રોજ સવારે અમદાવાદની સાબરમતી જેલમાં ફાંસી આપવાનું ડેથ વોરન્ટ જાહેર કરાયું હતું. દરમિયાન આરોપી અનિલ યાદવ દ્વારા ૧૪ ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સમગ્ર કેસની વિગત એવી છે કે, લીંબાયતમાં રહેતો ૨૬ વર્ષિય આરોપી અનિલ યાદવ પોતાના ઘર નજીક જ રહેતી સાડા ત્રણ વર્ષિય બાળકીને પોતાના રૂમમાં લઇ ગયો હતો. માસુમ સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય અને દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાંખી હતી. બાદમાં માસુમ બાળકીની લાશને કોથળામાં ભરીને પોતાના રૂમને બહારથી તાળું મારી દીધું હતું અને પોતે વતન નંદુરબાર ભાગી ગયો હતો.આ કેસમાં પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી અને આરોપી બિહારથી પકડાયો હતો. સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ આરોપીની ઓળખ થઇ હતી અને બાળકીની લાશ પણ આરોપીના રૂમમાંથી મળી આવી હતી. ત્યારબાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં ઘટનાના ૨૯૦ દિવસ બાદ ૩૧ જુલાઈના રોજ અનિલ યાદવને સેશન્સ કોર્ટે ફાંસીની સજાનો હુકમ કર્યો હતો. ત્યારબાદ સેશન્સ કોર્ટના ફાંસીની સજાના હુકમની કોપી હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ હાઇકોર્ટે દરેક પાસા જોઇ ફાંસી યથાવત રાખી છે. ચુકાદામાં સેશન્સ કોર્ટે કહ્યું હતું કે, પહેલાંના જમાનામાં રાક્ષસો બાળકોને ઉપાડી જતા હતા એ વાર્તા આવતી હતી. આ તો રાક્ષસી કરતાં પણ વધુ જઘન્ય કૃત્ય છે. એમાં આજીવન કેદ કરતા મૃત્યુદંડની સજા જ યોગ્ય છે. આરોપીની માનસિકતા પણ અહીં જોવાની જરૂર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application