દેશનાં રાજકારણને સ્વચ્છ કરવાના આશયથી કલંકિત નેતાઓને દૂર કરવાની સાથે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા અંગે વિચાર કરવામાં આવ્યો હતો અને તે માટે ચૂંટણીમાં મહિલા અનામત કાયદો પણ પસાર કરવામાં આવ્યો. જોકે હાલના એક રિપોર્ટ મુજબ કલંકિત નેતાઓમાં મહિલાઓ પણ પાછળ નથી. દેશમાં 28 ટકા મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ નોંધાયા છે. દેશમાં નેતાઓ અને ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખતી સ્વયંસેવી સંસ્થા એડીઆરના રિપોર્ટમાં જણાવાયું કે, દેશમાં 17 મહિલા સાંસદ અને ધારાસભ્યોએ પોતાને અબજોપતિ જાહેર કરી છે જ્યારે 28% મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. લોકસભામાં 75 મહિલા સાંસદોમાંથી 6 જ્યારે રાજ્યસભામાં 37 માંથી 3 અને રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોમાં 400 મહિલા ધારાસભ્યોમાંથી 8 અબજોપતિ છે. દેશમાં વર્તમાન કુલ 513 મહિલા સાંસદો અને ધારાસભ્યોમાંથી 512 એ રજૂ કરેલા સોગંદનામાના આધારે એડીઆર દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
આ રિપોર્ટમાં જણાવાયું છે કે 143 એટલે કે 28% મહિલા સાંસદો અને ધારાસભ્યોએ તેમની સામે ક્રિમિનલ કેસ નોંધાયા હોવાનું જાહેર કર્યું છે. રિપોર્ટ મુજબ લોકસભાના 75 મહિલા સાંસદોમાંથી 32 ટકા એટલે કે 24, રાજ્યસભાનાં 37 માંથી 10 એટલે કે 27 ટકા અને 400 મહિલા ધારાસભ્યોમાંથી 109 એટલે કે 27 ટકાનો 143 મહિલા સાંસદો અને ધારાસભ્યોમાં સમાવેશ થાય છે. આ સિવાય કુલ 78 મહિલા સાંસદો-ધારાસભ્યો પર હત્યા અને હત્યાના પ્રયત્ન જેવા ગંભીર ક્રિમિનલ આરોપોનો સામનો કરી રહ્યાં છે, તેમાં લોકસભાનાં 14(19%), રાજ્યસભાનાં 7 (19%) અને 57 મહિલા ધારાસભ્યો સામે ગંભીર ક્રિમિનલ કેસ નોંધાયા હોવાનું જાહેર કર્યું છે. રિપોર્ટ મુજબ કેટલાક રાજ્યોમાં ક્રિમિનલ રેકોર્ડ ધરાવતાં મહિલા સાંસદોની સંખ્યા ઘણી વધુ છે.
બિહાર સંભવતઃ સૌથી વધુ 15 મહિલા સાંસદો-ધારાસભ્યો સાથે આ યાદીમાં ટોચ પર છે. બિહારમાં 35માંથી 15 મહિલા સાંસદો-ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ છે. પક્ષની દ્રષ્ટિએ જોવામાં આવે તો ભાજપમાં સૌથી વધુ કુલ 217 મહિલા સાંસદો છે, જેમાંથી 23% સામે ક્રિમિનલ કેસ છે. કોંગ્રેસમાં કુલ 83 મહિલા સાંસદો-ધારાસભ્યોમાંથી 34 ટકા પર ક્રિમિનલ કેસ છે. એ જ રીતે ટીડીપીમાં 65%, આમ આદમી પાર્ટીમાં 69 ટકા સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. દેશમાં કુલ 512 મહિલા સાંસદો અને ધારાસભ્યોની કુલ જાહેર સંપત્તિ રૂ. 10,417 કરોડ છે, જેમાં પ્રત્યેક મહિલા નેતાની સરેરાશ સંપત્તિ રૂ.20.34 કરોડ છે. આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ 24 મહિલા સાંસદ-ધારાસભ્ય ધનકુબેર છે, જેમની સરેરાશ સંપત્તિ રૂ. 74.22 કરોડ છે. આ સિવાય મહિલા સાંસદો-ધારાસભ્યોની શૈક્ષણિક યોગ્યતાની વાત કરવામાં આવે તો 71 ટકા સ્નાતક છે અથવા ઊચ્ચ ડિગ્રી ધરાવે છે. 24 ટકા એ ધો. 5થી 12 સુધીનો અભ્યાસ કર્યો છે જ્યારે 12 મહિલા સાંસદો-ધારાસભ્યો પાસે ડિપ્લોમાની ડિગ્રી છે. અન્ય 12 નેતાઓ પોતાને માત્ર સાક્ષર ગણાવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500