Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પારડી પોલીસ મથકમાં નોંધાયેલ છેતરપીંડીનાં કેસમાં બે આરોપીઓ મુદ્દામાલ સાથે પકડાયા

  • April 27, 2025 

પારડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છેતરપીંડીનાં કેસમાં બે આરોપીઓને પોલીસે મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા હતા. મળતી માહિતી મુજબ, ગત તારીખ ૨૩/૦૪/૨૦૨૫ નારોજ પરવાસા ગામના મંદિર ફળિયામાં બે અજાણ્યા ઈસમો સી બી ઝેડ એક્સટ્રીમ બાઈક ઉપર આવ્યા હતા. તેઓએ તાંબા/પિત્તળ/સોના/ચાંદીના ઘરેણા ચમકાવવાના પાઉડરનો પ્રચાર કરતા હતા. દરમિયાન તેઓએ એક મહિલા પાસે સોનાની ચેઇન માંગી હતી. બંને ઈસમોએ ચેઈન ઉપર લિક્વિડ કેમિકલ તથા પાઉડર નાંખી તારના બશથી ઘસી હતી. ત્યારબાદ તેઓ સોનાવાળું પ્રવાહી એક ડબ્બામાં ભરી લઈ બાઈક પર નાસી ગયા હતા.


બનાવ અંગે પારડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પારડી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે આ કેસની તપાસ હાથ ધરી હતી. એ.એસ.આઈ. ચંદુભાઈ સુરપાલભાઈને મળેલી બાતમી અનુસાર, ગુન્હામાં વપરાયેલ બાઈક પર બે શખ્સો નાનાપોંઢાથી પારડી તરફ આવનાર હતા. આ માહિતીને આધારે પોલીસે બાલદા ગામે, ચિવલ રોડ પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સામે વોચ ગોઠવાઈ હતી. થોડી વાર પછી બાતમી મુજબના બે ઈસમો બાઈક પર આવતા જણાતા પોલીસે તેમને રોકી તેમની ઓળખ મેળવી હતી.


જયારે આરોપીઓની ઓળખ મોહમદ માનગો મોહમદ સદીક રાઈન (ઉ.વ.૪૭, મૂળ રહે.થામુનીયા ગામ, તા.પારબતા, જિ. ભાગલપુર, બિહાર) અને મોહમદ ઇઝહાર મોહમદ જઝુરી રાઈન (ઉ.વ.૩૬, મૂળ રહે.લતીપાકર ગામ, જિ.ભાગલપુર, બિહાર) તરીકે થઈ હતી. હાલ બંને નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાનાં બિલીમોરામાં રહેતા હતા. આરોપીઓની પૂછપરછમાં તેઓએ ગુનાનો એકરાર કર્યો હતો અને જણાવ્યું હતું કે, સોનાની ચેઇનને ઘસી હતી તેનું પ્રવાહી તેમની પાસે છે. તપાસમાં તેમની પાસેથી સોનાના કણોવાળું પ્રવાહી ૧૦૦ મિલી, પીળા રંગનું કેમિકલ પ૦૦ મિલી, ભૈયા ક્લીનિંગ પાવડર, હળદી પાઉડર, ફટકડીના ટુકડા, ગેરુ પાવડર, રોયલ પ્લેટ પાઉડર, ડીઝલમાં પલાળેલી રૂની દિવેટ, લોખંડનું સફેદ બાઉલ, ચીનાઈ માટીની રકાબી, કાપડનો રૂમાલ, લાકડાના હાથાવાળું તારનું બ્રશ, પોન્સ પાઉડરની ડબ્બી વગેરે સહિત કુલ ૪૦,૦૦૦ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application