રાજ્યનાં મોટાભાગના સ્થળોએ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સતત બીજા દિવસે યથાવત રહ્યો છે. ગતરોજ 104 તાલુકામાં માવઠું પડયું હતું. જેમાં ભાવનગરના સિહોરમાં સૌથી વધુ દોઢ ઈંચ, ભાવનગર શહેરમાં 1 ઈંચ વરસાદનો સમાવેશ થાય છે. વાવાઝોડાના કારણે રાજ્યભરમાં પાંચ વ્યક્તિઓના અલગ-અલગ ઘટનામાં મૃત્યુ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. સોમવારે સાંજે શહેરમાં વાવાઝોડા સાથે પડેલા તોફાની વરસાદમાં ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. ઘણા સ્થળે વીજ વાયરો તૂટી પડયા હતા. વડોદરાના સુભાનપુરા અને લાલબાગ વિસ્તારમાં વીજ કરંટ લાગતા બે વ્યક્તિઓના મોત થયા છે.
જ્યારે અન્ય 10 લોકોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ-ધોળકા હાઇવે પર હોર્ડિંગ પડતાં એક રિક્ષા ચાલકનું અને આણંદ શહેરમાં દિવાલ પડતાં વૃદ્ધાનું મોત થયું છે. ભાવનગરના સિહોરમાં 1 કલાકમાં જ દોઢ ઈંચ, ભાવનગરમાં બે કલાકમાં 1 ઈંચ જ્યારે ગાંધીનગરના માણસામાં 1 કલાકમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય ખેડાના નડિયાદ-કપડવંજ-વસો, વડોદરા શહેર, બનાસકાંઠાના દિયોદર-ભાભર, આણંદના સોજીત્રા, અમદાવાદના ધોળકા, આણંદના તારાપુર, બોટાદના બરવાળા, ખેડાના મહેમદાબાદ, અરવલ્લીના બાયડ, સુરેન્દ્રનગરના ચોટિલામાં પણ અડધા ઈંચ કે તેથી વધુ વરસાદ પડ્યો હતો.
સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં કરા પણ પડયા હતા જ્યારે વડોદરામાં 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જોકે, હજુ આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની સંભાવના છે. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા એક મકાનમાં વીજળી પડવાના કારણે મકાનના ખૂણાની દિવાલનો ભાગ તૂટી ગયો હોવાનું સામે આવ્યું હતું. ખેડા જિલ્લામાં ભારે પવન ફૂંકાતા વાવાઝોડું જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. ખેડાના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયા બાદ કમોસમી વરસાદ પડયો હતો.
પવનની ગતિ તેજ હોવાના કારણે કેટલાક મકાનોના છાપરા ઉડી ગયા હતા. આ સાથે ખેડૂતોના આંબા પરથી કેરીઓ ખરી પડી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતાં. માવઠાને પગલે મગ, ચોળી, બાજરો, ઘાસચારો તેમજ બાગાયતી પાકમાં કેરી, પપૈયાને નુકસાન થવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવવ ફૂંકાવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. વરસાદની સંભાવનાને પગલે આગામી પાંચ દિવસ તાપમાનમાં 3-5 ડિગ્રીનો ઘટાડો થાની સંભાવના છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500