કુંદન પાટીલ / વાલોડ : કોરોના કાબૂમાં આવી ગયો ત્યારે પણ લોકો તો કાબૂમાં રહીને જ મર્યાદામાં જ તેમના પ્રસંગો ઉજવી રહ્યાં છે.પરંતુ જો કોઇ બેકાબૂ બની ગયું હોય તો તે રાજકીય નેતાઓ,મહિનાઓ સુધી લોકોના મોબાઇલ ફોનમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવાના ભાષણની કેસેટ માથા પર ઠોકનાર સરકારના મંત્રીઓ અને રાજકીય નેતાઓ જ બેકાબૂ બની ગયા તેમ લોકોનું જે થવાનું હોય તે થાય પરંતુ કાર્યક્રમોના નામે ઠેર ઠેર તાયફાઓ કરાઈ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને તેના પરિણામ સ્વરૂપે જ હવે કોરોના ફરીથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.રાજ્યમાં ઓમિક્રોનની સાથે કોરોનાના કેસ પણ વધી રહ્યા છે. જેને લઈ ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી. હવે કોરોના વધી રહ્યો છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નામે ફરીથી સરકારી બાબુઓ સામાન્ય લોકોની કનડગત શરૂ કરશે. આ એજ સરકારી બાબુઓ હશે જે રાજકીય મેળવડામાં જ્યારે હજારો લોકો એકત્ર થયા ત્યારે આંખે પાટા બાંધીને બેઠા હતાં.
તાપી જિલ્લાની જ વાત કરીએ તો તાપી જિલ્લો હવે કોરોનાની ત્રીજી લહેર તરફ આગળ વધી રહયુ છે,જેના પગલે તાપી જિલ્લાના માથે જોખમ તોળાઈ રહયુ છે. તાપી જિલ્લામાં ગુરુવારે એક સાથે નવા 16 કેસો નોંધાયા છે.જયારે 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.આ સાથે જિલ્લામાં અત્યારે સુધી કુલ 3937 જેટલા કેસો નોંધાયા છે. કોરોનાની સારવાર લઇ કુલ 3779 જેટલા દર્દીઓ સાજા થયા છે, કુલ 131 જેટલા દર્દીઓના મોત નિપજ્યા છે. જિલ્લામાં હાલ 27 કેસ એક્ટિવ છે.જોકે જિલ્લામાં ઓમીક્રોનનો એકપણ નવો કેસ સામે આવ્યો નથી. ઓમીક્રોનના હાહાકાર વચ્ચે તાપી જિલ્લામાં ફરી એકવાર કોવિડના દર્દીઓનો આંકડો વધવા માંડયો છે.
શરૂઆતમાં તો એક સમયે એક-બે દર્દીઓ પુરતો સીમીત થયેલા કોરોનાના કેસ ફરી એકવાર બે આંકડા સુધી પહોંચી ગયા છે.છતાં સરકાર કે રાજકીય પક્ષો સમજતા નથી અને કાર્યક્રમો પર કાર્યક્રમોના આયોજન થઇ રહ્યાં છે જયારે બીજી બાજુ કેન્દ્ર અને રાજય સરકારે ફરી એકવાર સામાજિક-ધાર્મિક તહેવારો અને ઉત્સવની ઉજવણી પર ભીડ ભેગી થાય તો સંક્રમણ વધતુ હોવાના નામે નિયંત્રણો મુકવા શરૂ કરી દીધી છે.પરંતુ કોવિડના નિયમો મુદ્દે સરકારની કાટલા જુદા જુદા હોય તેમ સરકારી કાર્યક્રમો અને આયોજનોમાં બેફામ ભીડ ભેગી થતી હોવા છતા તેની સામે આંખ આડા કાન કરી ઉપરા-છાપરી આયોજનો કરાઈ રહ્યા છે જે સરકારની બેવડી નીતીની પ્રતિતિ કરાવી રહી છે.
સરકારની બેવડી નિતીની વાત કરીએ તો તાજેતરમાં જ તાપી જિલ્લામાં યોજાયેલી સામાન્ય ગ્રામ પંચાયતની ચુંટણીમાં વિજેતા થયેલા સરપંચો સહિત સભ્યોનું ભાજપ દ્વારા સત્કાર સમારોહ યોજાયો હતો,જેમાં વ્યારા અને ડોલવણ તાલુકાના વિજેતા સરપંચો સહિત સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જીલ્લા સંગઠન પ્રભારી અને જીલ્લા મહામંત્રી સહિત વિવિધ હોદ્દેદારોએ ખાસ હાજરી આપી હતી. તો બીજી બાજુ આગામી 16મી જાન્યુઆરીના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને વાલોડના બાજીપુરાની સુમુલ દાણ ફેક્ટરી ખાતે “સહકારથી સમૃધ્ધિ” કાર્યક્રમ કરવાની તૈયારીઓ મોટાપાયે શરુ કરી દેવામાં આવી છે, અને જે લોકોએ વેક્સિનનો બે ડોઝ લીધો હશે તવા લોકોને જ કાર્યક્રમમાં પ્રવેશ મળશે સાથે કોવીડ ગાઈડલાઈનનું પાલન કરવા માટે તંત્ર દ્વારા કાયદાની ચોપડી માંથી શું કરવું અને શું ના કરવું માટેના પણ સુચનો કરવામાં આવ્યા છે.જોકે અમિત શાહ જેવા મોટા કદના મહાન નેતા જિલ્લામાં આવતા હોય અને અહીના ભાજપના કહેવાતા સ્થાનિક આગેવાનો ભીડ ભેગી ના કરે એવું બને ?! તે એક ચર્ચાનો વિષય બન્યો છે. જોકે હવે અહી યોજનાર આ કાર્યક્રમને લઈને સંક્રમણ વધવાનો ભય લોકોને સતાવી રહ્યો છે.
બાજીપુરાની સુમુલ દાણ ફેક્ટરી ખાતે યોજનાર “સહકારથી સમૃધ્ધિ” કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સહિત અનેક નેતાઓ અને સંગઠનના મંત્રીઓ/આગેવાનો ઉપસ્થિત રહેનાર હોય જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, પદાધિકારીઓ, લાભાર્થીઓ વગેરે ભેગા થશે. તેમાં જાણે કોરોનાના સંક્રમણને વધવા પર પ્રતિબંધ હોય તેવુ નેતાઓ માની રહ્યાં છે.આપ સહુને અહી એ પણ જણાવી દઈએ છીએ કે,રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના સૌ નાગરિકોના હિતમાં આગામી તા. ૧૦ થી ૧૨ જાન્યુઆરી-૨૦૨૨ દરમિયાન યોજાનારી ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. ત્યારે તાપી જિલ્લાના કહેવાતા નેતાઓ આગેવાનો તાપી જિલ્લાની પ્રજાના હિતમાં નિર્ણય લે તે પણ જરૂરી બન્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationભારતે પાકિસ્તાનના નેવિગેશન સિસ્ટમ પર પ્રહાર કર્યો
May 02, 2025