પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. પાકિસ્તાને નફ્ફટાઈની હદ વટાવતાં પોતાના જ નાગરિકોને સરહદ પર અધવચ્ચે અટકાવી દીધા છે. પાકિસ્તાને આજે વાઘા બોર્ડરના દરવાજા બંધ જ રાખતાં પાકિસ્તાની નાગરિકો અધવચ્ચે જ અટવાઈ ગયા છે. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરવાથી માંડી પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવા જેવા આકરા નિર્ણયો લીધા છે. જેમાં પાકિસ્તાની નાગરિકોને વતન પરત ફરવા માટે આપેલું અલ્ટીમેટમ દૂર કરતાં વધુ સમય આપ્યો હતો.
ભારતે આગામી આદેશ સુધી અટારી-વાઘા બોર્ડર મારફત પાકિસ્તાનીઓને વતન પરત ફરવાની મુદ્દત આપી છે. જ્યારે પાકિસ્તાને આજે વાઘા બોર્ડરના દરવાજા બંધ કરી દેતાં નાગરિકો બંને દેશોની સરહદ પર અટવાયા છે. તમામ નાગરિકો અટારી બોર્ડર મારફત વતન પરત ફરી રહ્યા હતા. પરંતુ પાકિસ્તાનની તરફથી દરવાજો ન ખૂલતાં નાગરિકો આકરા તડકામાં રસ્તાઓ પર રહેવા મજબૂર બન્યા છે. પાકિસ્તાને વાઘા બોર્ડરનો દરવાજો ન ખોલતાં પાકિસ્તાનના નાગરિકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે.
ભારત સરકારના આદેશાનુસાર, ભારતની મુલાકાતે આવેલા તેમજ ભારતમાં વસતાં ઘણા પાકિસ્તાની નાગરિકો સવારે 8.30 વાગ્યે બોર્ડર પર પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પહોંચતાં જ જાણવા મળ્યું કે, બોર્ડરનો દરવાજો બંધ છે. આગળ જઈ શકાશે નહીં. ભીષણ ગરમીમાં ભૂખ્યા પેટે નાગરિકો રાહ જોઈ રહ્યા છે. તમામ લોકો ખૂબ પરેશાન થયા છે. પાકિસ્તાન એકબાજુ વિશ્વ સમક્ષ શાંતિ ઉકેલનો પ્રસ્તાવ મૂકી રહ્યું છે. તો બીજી બાજુ અવળચંડાઈ કરી ભારત સાથે તણાવ વધારી રહ્યું છે. તે છેલ્લા સાત દિવસથી સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ભારત સાથે યુદ્ધ કરવા પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યું છે. તેમાં આજે અટારી-વાઘા બોર્ડરના દરવાજો ખોલવાનો ઇન્કાર કરી દીધો હતો. પાકિસ્તાનની આ અવળચંડાઈ ભારત સાથેનો તણાવ વધારવાનો પ્રયાસ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500