પહલગામ આતંકવાદી હુમલા બાદથી ઇઝરાયલ ભારત સાથે સતત સંપર્કમાં છે. ઇઝરાયલે ખુલ્લેઆમ આતંકવાદીઓ સામે ભારતને શક્ય તમામ મદદ કરવાની તૈયારી બતાવી છે. ઇઝરાયલના રાજદૂત રુવેન અઝારે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તુલના 7 ઓક્ટોબર, 2023ના રોજ ઇઝરાયલ પર હમાસના હુમલા સાથે કરી છે. પહલગામ હુમલા પર ઊંડો શોક વ્યક્ત કરતાં અઝારે કહ્યું કે, હુમલાની ક્રૂરતાએ અમને 7 ઓક્ટોબરના રોજ ઇઝરાયલ પર થયેલા હુમલાની યાદ અપાવી. પહલગામમાં ધર્મના આધારે લોકોના માથે ગોળી ધરબી દેવામાં આવી. હનીમૂન પર ગયેલા પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ એ જ આતંક છે જેમાંથી અમે પણ પસાર થયા છીએ. અમારે ત્યાં પણ તહેવારોની ઉજવણીમાં ઘરોમાં સૂતા નિર્દોષ લોકોને આતંકવાદીઓ દ્વારા મારી નાખવામાં આવ્યા હતા.
રાજદૂતે જણાવ્યું હતું કે, અમે ભારતના આત્મરક્ષણના અધિકારને મજબૂત સમર્થન આપીએ છીએ. પહલગામ હુમલો છેલ્લા બે દાયકામાં નાગરિકો પર થયેલા સૌથી ઘાતક હુમલાઓ પૈકી એક ગણાય છે. ઇઝરાયલ ભારત સાથે ખભેથી ખભા મિલાવીને ઉભું છે અને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને શક્ય તમામ મદદ કરવા તૈયાર છે. આગળ કહ્યું કે, ‘ભારત જાણે છે કે તેણે શું કરવું. આ સાર્વભૌમત્વનો મામલો છે. દેશના આત્મરક્ષણનો મામલો છે. ભારતને આ હુમલાનો પોતાની રીતે જવાબ આપવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. ભારતે આતંકવાદ સામે તેની મજબૂત નીતિ દર્શાવી છે અને અમે માનીએ છીએ કે ભારત ક્યારેય આતંકવાદ સામે ઝૂકશે નહીં.
ઇઝરાયલ આતંકવાદ સામે લડવા માટે ગુપ્તચર, ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં ભારત સાથે સહયોગ આપવા પ્રતિબદ્ધ છે. વધુમાં અઝારે જણાવ્યું હતું કે, ‘અમે ભારતને શું કરવું જોઈએ તે અંગે સલાહ આપવાની સ્થિતિમાં નથી, કારણ કે ભારત સરકાર અને તેની સુરક્ષા એજન્સીઓ સરહદ પારના આતંકવાદનો સામનો કેવી રીતે કરવો તે સારી રીતે જાણે છે. અમે તકનીકી અને ગુપ્તચર સહયોગ દ્વારા ભારત સાથે કામ કરીશું’ તારીખ 7 ઓક્ટોબર, 2023ના રોજ ઈઝરાયલમાં સવારે 6.30 વાગ્યે જ્યારે હમાસના આતંકવાદીઓ આવ્યા, ત્યારે લોકો એક સંગીત ઉત્સવમાં જઈ રહ્યા હતા.
ઘણા લોકો પોતાના ઘરમાં હતા,પથારીમાં સૂતા હતા, અને તેઓએ ઊંઘમાં જ મારી નાખવામાં આવ્યા, તેમના પર બળાત્કાર કર્યો અને તેમને સળગાવી દેવામાં આવ્યા હતાં. કુલ 1119 લોકોનો નરસંહાર કર્યો હતો. અઝારે પાકિસ્તાનની તપાસની માંગ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, "જો તમે આતંકવાદીઓને આશ્રય આપો છો અને પછી તપાસની માંગ કરો છો, તો તે ખૂબ જ દંભી વાત છે, એક પ્રકારનો ઢોંગ છે. ભૂતકાળમાં પણ, આવા કેસોની તપાસમાં કંઈ પરિણામ આવ્યું નથી. આતંકવાદ હવે ફક્ત મર્યાદિત ક્ષેત્રનો પડકાર નથી રહ્યો પરંતુ તે વૈશ્વિક સમસ્યા બની ગયો છે. રાજદૂતે વિશ્વના તમામ લોકશાહી અને વિચારશીલ દેશોને સાથે મળીને આતંકવાદનો સફાયો કરવાની અપીલ પણ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500