ભારતીય સેનાના અડધી રાત્રે પાકિસ્તાનના 9 ઠેકાણે એરસ્ટ્રાઇક કર્યા બાદ ભારતભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ આતંકવાદીઓના ઠેકાણા પર હુમલા કર્યા હતા. ત્યારબાદ જામનગર સહિતના દરિયા કિનારે એસ.ઓ.જી. સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સધન ચેકિંગની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ જામનગર, ભુજ, રાજકોટ, જોધપુર, અમૃતસરની તમામ ફ્લાઇટ રદ કરવામાં આવી છે. જામનગર જિલ્લાના વહીવટી તંત્રની સૂચના અનુસાર તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા જુદા જુદા વિભાગોમાં સધન ચેકિંગની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે હાલારનો દરિયા કિનારો કે જેને અતિ સંવેદનશીલ ગણવામાં આવે છે, અને પાકિસ્તાનની સરહદની ખૂબ જ નજીક આવેલો હોવાથી અહીં પણ મોટાપાયે ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જામનગરના કોસ્ટલ વિસ્તારમાં એસ.ઓ.જી. શાખા, મરીન પોલીસ સ્ટેશન, ઉપરાંત ટાસ્ક ફોર્સના કમાન્ડો સહિતની સંયુક્ત ટુકડીઓ દ્વારા દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને હાલારના જુદા જુદા સાગર કિનારાઓ પર બોટ પેટ્રોલિંગ કરીને જુદી જુદી માછીમારી બોટો સહિતને અટકાવીને તમામની ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. સાથો સાથ સાગર કિનારાઓ ઉપર વસવાટ કરતાં નાગરિકોના રહેઠાણોના સ્થળ ઉપર પણ મોટા પાયે ચેકિંગ કરવામાં આવ્યું હતું. બુધવારે સવારે થયેલા આ ઓપરેશન માટે જામનગરના જામસાહેબે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખી શુભેચ્છા પાઠવી છે. તેમણે પત્રમાં લખ્યું કે 'પરમ આદરણીય નરેન્દ્રભાઈ, દુનિયાના તમામ સાચા જાડેજાઓ તરફથી હું તમને હાર્દિક શુભેચ્છા પાઠવું છું કે તમે દુનિયાને અને પોતાને બતાવી દીધું કે આપણે હકીકતમાં એક મહાન રાષ્ટ્ર છીએ.
તમારા નેતૃત્વમાં બહાદુરોએ પોતાની બહાદુરી અને બુદ્ધિમત્તા, અદ્ભુત ઉપકરણો અને જબરદસ્ત ટ્રેનિંગ સાથે દુનિયાને ભારતીય લોકોની બેજોડ ક્ષમતા અને ભાવનાનું પ્રદર્શન કર્યું છે. ભારતીય સશસ્ત્ર દળોએ સરસ કામ કર્યું અને માનનીય વડાપ્રધાનનો આભાર. માતાજી તમને ઐતિહાસિક મહત્ત્વની વધુ મોટી સિદ્ધિઓ માટે આશીર્વાદ આપે. જામનગર શહેરમાં પણ આજે વહીવટી તંત્રના આદેશના પગલે મોકડ્રીલ તૈયારીઓ ચાલી રહી છે, અને જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા તેના માટે સુસજજ બની છે. જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાના ચીફ ફાયર ઑફિસર કે. કે. બીશ્નોઈ દ્વારા આજે સવારે 10.00 વાગ્યે જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખામાં મોકડ્રીલના સંદર્ભમાં રિવ્યુ મીટીંગ રાખવામાં આવી હતી.
જેમાં 10થી વધુ ફાયર સ્ટેશન ઑફિસરો હાજર રહ્યા હતા. જેઓને સાંજની મોકડ્રીલ સંદર્ભે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. જામનગર શહેરના જુદા જુદા ચાર વિસ્તારોમાં ફાયર બ્રિગેડ દ્વારા ચાર સ્થળોએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, અને સંભવિત યુદ્ધના પગલે કોઈપણ દુર્ઘટના બને, તો તેને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સમગ્ર કવાયત હાથ ધરી લેવામાં આવશે, તેના માટે 30થી વધુ ફાયર ફાઇટર સહિત વાહનો તથા અન્ય તમામ પ્રકારની સાધન સામગ્રીને સુસજ્જ બનાવી દેવામાં આવી છે અને બપોરે 4.00 વાગ્યાથી તમામ ફાયર વિભાગનો 100થી વધુનો સ્ટાફ કવાયતમાં જોડાઈ જશે. જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જામનગરના એરપોર્ટ ઉપર પણ સધન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જામનગર જિલ્લાના એસ. પી. પ્રેમસુખ ડેલુના આદેશ અનુસાર ઍરપોર્ટ વિભાગના મહિલા પીએસઆઇ આર. કે. ગોસાઈ અને તેઓની ટીમ દ્વારા આજે જામનગરના ઍરપોર્ટ પર સધન વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું અને તમામ પ્રકારના વાહનોની ઝીણવટભરી તલાશી લેવામાં આવી હતી.
ઉપરાંત વાહનચાલકો વગેરેની પૂછપરછ પણ કરી લેવામાં આવી છે. જો કે કશું વાંધાજનક મળ્યું નથી. જામનગરથી મુંબઈ જતી અને આવતી ફ્લાઇટને ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે અને આ ત્રણ દિવસ દરમિયાન મુસાફરોને અવરજવર કરવા માટેની ટિકિટો કેન્સલ કરાઈ રહી છે. જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આજે સંભવિત યુદ્ધની પરિસ્થિતિને પહોંચી વળવાના ભાગરૂપે મોક ડ્રીલની કવાયત હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં શહેર જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને સાથે રાખીને સુરક્ષા વ્યવસ્થા સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ વેળાએ જામનગર જિલ્લાના એસપી પ્રેમસુખ ડેલુ તેમજ જામનગર શહેર વિભાગના ડીવાય એસપી જે. એન. ઝાલા, પોલીસ હેડ ક્વાર્ટરના ડીવાયએસપી વી. કે. પંડ્યા, જામનગર ગ્રામ્યના ડીવાયએસપી આર. બી. દેવધા, લાલપુર ડિવિઝનના આઇપીએસ અધિકારી શ્રી પ્રતિભા, જામનગર શહેરના ત્રણેય પોલીસ ડિવિઝનના પીઆઇ, તથા એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયા, એસ.ઓ.જી. પીઆઇ બી.એન. ચૌધરી, તેમજ અન્ય અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે છણાવટ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application