સોનગઢ નગરમાં રહેતા અને પોતાનું નિવૃત્ત જીવન જીવતા ૭૫ વર્ષીય વૃદ્ધને એક શખ્સે ફોન કરી ભૂલથી તમારા ખાતામાં ૧ લાખ રૂપિયા જમા થઈ ગયા છે જે તમે ફોન પે’થી પરત કરી દો, તેમ કહેતા વૃદ્ધે ૩૫ હજાર રૂપિયા અજાણ્યા શખ્સના ખાતામાં નાંખ્યા બાદ તેના પુત્રને આ વિશે વાત કરતાં પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની જાણ થતા અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોનગઢનાં સર્વોદય નગર સોસાયટીમાં રહેતા ધનરાજભાઈ બલીરામભાઈ પાટીલ (ઉ.વ.૭૫) સીપીએમ ગેસ્ટ હાઉસમાં નોકરી કરતાં હતા અને હાલ નિવૃત્ત જીવન ગુજારે છે. જોકે ગત તારીખ ૦૯/૦૧/૨૦૨૫ નારોજ તેમના મોબાઈલ ફોન પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને ‘મેં શર્માજી બોલ રહા હું, મેરે બંદેને ગલતી સે આપ કે એકાઉન્ટ મેં ૧ લાખ રૂપિયે ડાલ દિયે હૈ, આપ મેરે એકાઉન્ટ મેં ૧૦-૧૦ હજાર ફોન પે કે માધ્યમ સે ભેજ દો. એમ કહી વૃદ્ધને વિશ્વાસમાં લીધા બાદ ફોન પે ઉપર પૈસા રિસીવ કરવાની રિકવેસ્ટ મોકલી હતી.
જેના પર ધનરાજભાઈએ પ્રથમ ૧૦ હજાર અને ત્યારબાદ ૨૫ હજાર એમ કુલ ૩૫ હજાર રૂપિયા મોકલી આપ્યા હતા. ત્યારબાદ તેના પુત્રને આ અંગે જાણ કરતાં પુત્રએ અજાણ્યા શખ્સને ફોન કરી પૂછપરછ કરતાં તેણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આથી બેંકમાં જઈ આ વિશે તપાસ કરતાં છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પ્રથમ સાઇબર ક્રાઈમ હેલ્પ લાઈન પર ફરિયાદ કર્યા બાદ બુધવારના રોજ શર્મા નામના અજાણ્યા શખ્સ વિરુદ્ધ ધનરાજભાઈ પટીલે સોનગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે છેતરપિંડી તેમજ આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500