મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતોના હિતાર્થે અમલમાં મુકેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની વિસ્તૃત જાણકારી આપવા માટેનો કાર્યક્રમ કપરાડા તાલુકા મથકે કોમ્યુનીટી હોલ ખાતે વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, રાજ્યના વિકાસમાં ખેતી અને ખેડૂતોનો બહુમૂલ્ય ફાળો રહેલો છે, જેથી ખેડૂતોને કુદરતી આપત્તિથી થયેલા ખેતીપાકમાં થયેલા નુકશાનમાં સહાયરૂપ બનવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. જે ધ્યાને રાખી ખેતીની ખરીફ સીઝનમાં ખેડૂતોને ખેતીપાકોમાં અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિના પ્રસંગો, વાદળ ફાટવું, સતત ભારે વરસાદ અને કમોસમી વરસાદ જેવા આકસ્મિક કુદરતી આપત્તિથી ખેતીપાકને થતા નુકસાન સામે સહાય આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂત હિતલક્ષી નિર્ણય લઇ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત રાજ્યના નાના, સીમાંત અને મોટા એક બધાજ ખેડૂતોને આવરી લેવાયા છે. આ યોજના માટે ખેડૂતોએ કોઇ પ્રિમીયમ ભરવાનું રહેશે નહીં. પાક વીમા યોજના હેઠળ રાજ્ય સરકારે પ્રિમિયમ ન ભરી તેન સીધો લાભ ગુજરાતના ખેડૂતોને મળે તે પ્રકારનું સુચારુ આયોજન કરાયું છે.
જાણકારીના અભાવે ખેડૂતો રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લઇ શકતો નથી, જેથી આ યોજનાઓની જાણકારી જન-જન સુધી પહોંચે તે જરૂરી છે, જેના ભાગરૂપે આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો યોજી છેવાડાના માનવી સુધી તેનો સંદેશ વહેતો કરવામાં આવે છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે ખરીફ ઋતુમાં વાવેતર કરેલું હોવું જરૂરી છે. ખરીફ ઋતુમાં ખેતીપાકને ૩૩ થી ૬૦ ટકા નુકશાન થાય તો રૂા.૨૦ હજાર જ્યારે ૬૦ ટકાથી વધુ પાક નુકસાન માટે રૂા.૨૫ હજાર પ્રતિ હેક્ટર મુજબ વધુમાં વધુ ચાર હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે. ખેડૂત લાભાર્થીના પાત્રતાના ધોરણમાં સમગ્ર રાજ્યમાં રેવન્યુ રેકર્ડમાં નોંધાયેલા તમામ ૮-અ ધારક ખેડૂત ખાતેદાર અને ફોરેસ્ટ રાઇટ એક્ટ હેઠળના સનદ ધરાવતા ખેડૂતો પણ લાભાર્થી ગણાશે.
ધરમપુર અને કપરાડા તાલુકામાં વરસાદનું પ્રમાણ વધારે હોવા છતાં ડુંગરાળ વિસ્તારને કારણે વરસાદનું પાણી વહી જાય છે. જેનો સંગ્રહ કરવા માટે પીવાના પાણીની સમસ્યાવાળા ગામોમાં ઘરે-ઘરે વરસાદી પાણીના સંગ્રહ માટેના ટાંકાઓ આદિજાતિ વિકાસ વિભાગની ગ્રાન્ટમાંથી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.
ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરી ગાય આધારિત ખેતી કરી પોતાના ખેતરમાં કુદરતી ખાતરનો જ ઉપયોગ કરે તે હેતુસર દેશી ગાય નિભાવ ખર્ચમાં પ્રોત્સાહનરૂપે રૂા.૯૦૦ની માસિક ધોરણે સહાય આપવામાં આવે છે. વાડી યોજના હેઠળ દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓના ખેડૂતોને છ કરોડ રૂપિયાના ખર્ચે ફળાઉ વૃક્ષો આપવામાં આવનાર છે, જેનો સંબંધિતોને લાભ લેવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
વૃક્ષોના વાવેતર થકી ઓક્સિજનનું પ્રમાણ વધે છે, જેના થકી બિમારીનું પ્રમાણ પણ ઘટે છે. કોરોના મહામારીમાં પણ ઓક્સિજનની જ મહત્તમ જરૂરિયાત રહે છે, જે ધ્યાને રાખી દરેરક વ્યક્તિ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરે તે આવશ્યક હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.
નાયબ ખેતી નિયામક શ્રી પી.આર. માંડાણીએ ખેડૂતલક્ષી યોજનાઓની જાણકારી આપી કાર્યક્રમનો હેતુ સમજાવ્યો હતો. તેમણે કિસાન પરીવહન યોજના, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના, રાજયના સિમાંત ખેડૂતો અને ખેત મજુરોને સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ આપવાની યોજના, દેશી ગાય નિભાવ ખર્ચ તેમજ પ્રાકૃતિક કૃષિ કીટમાં ૭૫ ટકા સહાય આપવાની યોજના અંગે સમજણ આપી તેનો લાભ લેવા જણાવ્યું હતું.
કોરોના મહામારીને ધ્યાને રાખી કાર્યક્રમ સ્થળે સેનેટાઇઝર, થર્મલ ગન અને ઓકિસમીટરની વ્યવસ્થા રાખવાની સાથે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેનું ધ્યાન પણ રાખવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationનાંદોદનાં એક ગામની સગીરાનું અપહરણ કરનાર સામે ફરિયાદ નોંધાઈ
April 29, 2025નેત્રંગમાં યુવકને લાકડાનાં સપાટા મારી મોતને ઘાટ ઉતાર્યો
April 29, 2025